મરણ ની મર્યાદા
મરણની મર્યાદા
(ગામડાં ગામની સંસ્કૃતિનું સ્મરણ)
મરણ ના એ દિવસોમાં,
શોકશીલ માહોલ રહેતો,
સાંજ પડે ને ગામ આખું,
ભજન કરતા જોતો.
દુ:ખમાં પણ એકતાનું,
દર્શન હું ત્યાં જોતો,
સહાનુભૂતિ નો તો દરિયો,
સૌનાં અંતર માં ત્યાં વહેતો.
ચા પણ ના કોઈ દૂધવાળી પીતો,
નિયમ એવો બાર દિ’ રહેતો,
રેડિયો કે ટીવી પણ બાર દિ’ ન વગાડાતો.
બાળક પણ ના અહિયાં હસતો,
હસે જો કોઈ બાળક ભુલથી તો,
વડીલ વઢીને યાદ અપાવતો,
દુ:ખમાં છીએ ભાઈ આપણે તો.
મૃત્યુ થયું હોય જે ઘરમાં તો,
ત્યાં ચુલો શાંત રહેતો,
આડોસી પાડોશી ને ત્યાંથી
શાક રોટલો છાશ વેવાર રેતો.
ઓઢી સફેદ ટોપી માથે,
ગામ આખાએ શોક ધર્યો દેખાતો,
સાંજે સૌ હાજર રહેતો,
ત્યાં દુ:ખ થી આંખ ભીની જોતો.
આજે દિન આવાં જોઈને,
મનમાં શોક વ્યાપ્તો.
આજે મડદું પડ્યું હોય બાજુ શેરીમાં હજું તો,
ને આપણે બોલીએ ચાલ ખાઈ લઇએ ત્યાં મોડું થશે જ તો.
શ્રદ્ધાંજલિ ક્યાં રહી હવે તો ?
માનવતા જ ઓગળી ગઈ હવે તો,
જ્યાં મરણની પણ મર્યાદા હતી,
ત્યાં હવે બેફામ રીત જોતો.
એ ભૂતકાળ જ એવો હતો,
મરણમાં પણ સંસ્કૃતિ ઝીલતો,
શું આજ છે માનવતાની રીતો?
ધીમે ધીમે વિલીન થતાં રિવાજો…
જોઈ “સરમણ” વ્યથિત થાતો.
___વિનોદ કોરડિયા “સરમણ”